એ.વી.પી.ટી. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એ.વી.પી.ટી. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કાયદાકીય જાગૃતિ ફેલાવવાના હેતુથી લિબર્ટી ગ્રુપના સહયોગથી તા. ૧૪ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ એ.વી.પી.ટી. એન્જિનિયરિંગ કોલેજ, હેમુ ગઢવી ઓડિટોરિયમ નજીક, રાજકોટ ખાતે કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં બંધારણીય અધિકારો, કાયદાકીય જોગવાઈઓ તથા સામાજિક ન્યાય પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન રેગિંગ, મૂળભૂત અધિકારો, સમાન નાગરિક સંહિતા (UCC), ભારતીય બંધારણની અનુચ્છેદ 19, મફત કાનૂની સહાય અને માહિતીનો અધિકાર (RTI) જેવા મહત્ત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વતી ચિંતનકુમાર શકોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા કાયદાકીય જ્ઞાનને માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતું મર્યાદિત ન રાખતાં તેનો ઉપયોગ સમાજમાં જાગૃતિ ફેલાવવા અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે કરવા પર ભાર મૂક્યો હતો.

ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયા તથા ભવનના તમામ શૈક્ષણિક કર્મચારીઓ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. ભવનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા, બંધારણીય મૂલ્યોની સમજ, કાયદાકીય જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.

આવા કાયદાકીય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના અધિકારો અને ફરજો અંગે સમજ વિકસે છે તથા સમાજમાં કાયદાના શાસન, સમાનતા અને ન્યાયના મૂલ્યોને પ્રોત્સાહન મળે છે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

14-10-2026